નૃસિંહાવતાર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ (original) (raw)

નૃસિંહાવતાર ( 1896 ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, વિવેચક અને ધર્મતત્વચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી(1858–1898)નું પૌરાણિક નાટક. તત્કાલીન વ્યવસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી તેમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પ્રસ્તુત કરાયું છે. મણિલાલનું ‘કાન્તા’ નાટક મુંબઈ-ગુજરાતી નાટ્યમંડળીએ ‘કુલીન કાન્તા’ નામે 1889માં ભજવ્યું. પછી કંપનીની માગણીથી, તેમણે આ બીજું નાટક લખ્યું હતું. કંપનીએ મણિલાલના અવસાન પછી 1899માં એનો પ્રથમ નિષ્ફળ પ્રયોગ કર્યો; એના દિગ્દર્શક અને મુખ્ય પાત્ર હિરણ્યકશિપુના નટ પારસીઓ હતા એને કેટલાક લોકો આ નિષ્ફળતાનું મુખ્ય કારણ માને છે. એ પછી સાતમે વર્ષે એનો ફેરપ્રયોગ ત્રીસેક નાઇટ સુધી લોકપ્રિય બની રહ્યો હતો. એમાં પ્રહલાદની ભૂમિકા પ્રભાશંકર ‘રમણી’એ, લક્ષ્મીની જયશંકર ‘સુંદરી’એ અને વિષ્ણુની બાપુલાલ નાયકે કરી હતી. શ્રીમદભાગવતના સાતમા સ્કંધના પ્રહલાદવૃત્તાંતને આધારે પુરાણકથા લઈ રંગભૂમિ અને લોકરુચિને લક્ષમાં રાખી શુદ્ધ સંસ્કૃત શૈલીનું નાંદી અને સૂત્રધાર સાથેનું ભક્તિરસપૂર્ણ આ મંગલાન્ત નાટક છે. એની કુલ 64 કાવ્યરચનાઓમાંથી 35 તો સરસ ગીતો છે; ‘‘તુમ તનનન હરિગુણ ગાઓ…..’’, ‘‘પ્રેમકલા બલિહારી’’ વગેરે ગીતો ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. મંડળીએ આ નાટકના હકો ઊચક ખરીદીને સ્વાધીન રાખ્યા હતા; તેથી ગુજરાતમાં સાહિત્ય અને રંગભૂમિ વચ્ચે જ્યારે હજી સંબંધવિચ્છેદ નહોતો થયો એ કાળનું, ગુજરાતના સમર્થ વિદ્વાનનું આ નાટક અડધી સદી સુધી અપ્રગટ રહ્યું. એની સટીક આવૃત્તિ ડૉ. ધીરુભાઈ ઠાકરના સંપાદનમાં 1955માં પ્રસિદ્ધ થઈ હતી.

હસમુખ બારાડી